
ભારતીય ટીમ આગામી 26 તારીખે ઓસ્ટ્રિયામાં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે જશે. આ વર્લ્ડ રેન્કિંગ ટૂર્નામેન્ટમાં ટીમની અંડર-13 કેટેગરીમાં કુલ 4 ખેલાડીઓ છે, જેમાંથી એક ખેલાડી ગુજરાતનો આર્ય કટારિયા પણ છે. આર્ય કટારિયા માત્ર 13 વર્ષની વયે પોતાની કેટેગરીમાં ગુજરાતની ટેબલ ટેનિસ ટીમનો કેપ્ટન બન્યો છે. જોકે, તે ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ નેશનલ ટૂર્નામેન્ટમાં કરે તે અગાઉ જ તે ટીમ ઈન્ડિયા તરફથી પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમશે. તે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમ્યા બાદ રાજ્યના કેપ્ટન તરીકે મે મહિનામાં નેશનલમાં રમશે.
આર્યએ 2018થી ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. તેણે પ્રારંભિક ટ્રેનિંગ અમદાવાદમાં મેળવ્યા બાદ ગત 2 વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરના કોચ પાસેથી હાઈ લેવલ ટ્રેનિંગ મેળવી રહ્યો છે. આર્ય કટારિયા રોજ લગભગ 8 કલાક જેટલો સમય ટેબલ-ટેનિસની પ્રેક્ટિસ પાછળ આપે છે. આર્ય એ અત્યાર સુધી 4 નેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. જેમાંથી તેણે ત્રણ વખત મેડલ જીત્યા છે. તેણે 2 વખત સિલ્વર મેડલ અને 1 વખત બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
પિતા પણ ટેબલ-ટેનિસ ખેલાડી
આર્ય કટારિયાના પિતા નીતિન કટારિયા પોસ્ટલ વિભાગમાં કામ કરે છે. તેઓ પોતાના વિભાગ તરફથી ઘણી નેશનલ સ્તરની ટેબલ-ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે. નીતિન કટારિયા પોતે 20 વર્ષથી ટેબલ-ટેનિસ સાથે સંકળાયેલા છે અને તેમણે દીકરા આર્યને પ્રારંભિક તાલિમ આપી હતી.