50 વર્ષીય અંજલિ દેશમુખ ઘર વિશે વાત કરતી વખતે ભાવુક થઈ જાય છે, તેઓ કહે છે, “એ વાત તો અમે ક્યારેય વિચારી પણ નહોતી. કોઈ ક્યારેય પોતાનું ઘર ગુમાવવા માગતું નથી.”
અંજલિ માટે લાગણીશીલ થવાનું કારણ એ હતું કે, તાજેતરમાં જ તેમણે ત્રણ બેડરૂમનું ઘર વેચ્યું હતું. તેમણે પુણેના સહકારનગરમાં આ ઘર ખૂબ જ ઊંચા વ્યાજે ખરીદ્યું હતું. હવે તેઓ એ જ પાડોશીઓ સાથે ભાડાના મકાનમાં રહે છે.
હોમ લોનના હપ્તા ન ભરી શકવાને કારણે તેમણે પોતાનું ઘર વેચવું પડ્યું.
તેમના પતિ અજય દેશમુખ પ્રોફેશનલ એન્જિનિયર છે. તેઓ 2006માં આઈઆઈટી મુંબઈમાંથી ડૉક્ટરેટ પણ થયા હતા. તેમને ભણાવવાનો શોખ છે.
તેથી જ તેમણે પહેલા એન્જિનિયરિંગ કૉલેજોમાં પ્રોફેસર તરીકે કામ કર્યું. આજે તેઓ મહારાષ્ટ્રની એક કૉલેજના પ્રિન્સિપાલ છે. જોકે, કોવિડ-19ના મહામારીમાં તેઓ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા.
હપ્તા વધ્યા
2012માં અજય દેશમુખે 75 લાખ રૂપિયાનું ઘર ખરીદ્યું હતું અને અન્ય રૂપિયા બેથી ત્રણ લાખનો ખર્ચ કર્યો હતો.
જોકે, 2016માં તેઓ જે કૉલેજમાં કામ કરતા હતા તે કૉલેજ આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલી હતી. કોવિડ-19 મહામારીના કારણે આ નાણાકીય સમસ્યાઓ વધુ વકરી હતી.
આ સાથે દેશમુખના પરિવારની આર્થિક સ્થિતિ પણ કથળી હતી. અંજલિએ તે સમયની પરિસ્થિતિ વિશે બીબીસી સાથે વાત કરી.
અંજલિએ કહ્યું, “કૉલેજમાં પગારના બિલ પૅન્ડિંગ છે. એક વર્ષ ઘરેથી કામ કર્યું. પછી અમારે બધા પૈસા જાતે જ ભેગા કરવા પડ્યા. અમે વિચાર્યું કે અમે કોઈક રીતે ઘર બચાવી લઈશું. પરંતુ તેમ ન થયું.”
અંજલિ દેશમુખ જેવા ઘણા લોકોએ તાજેતરના સમયમાં કથળેલી આર્થિક સ્થિતિને પગલે પોતાનું ઘર ગુમાવ્યું છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)ના તાજેતરના અહેવાલ મુજબ, દર વર્ષે ઈએમઆઈ ભરવાનું ટાળતા લોકોની સંખ્યા વધી રહી છે.
2020ની સરખામણીમાં હોમ લોન ડિફૉલ્ટર્સની સંખ્યામાં 20 ટકાનો વધારો થયો છે.
ઇન્ડિયન ક્રૅડિટ રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, “રૂપિયા 10 લાખથી ઓછી રકમની લોન નહીં ભરનારા લોકોની સંખ્યા 4.44 ટકા છે જ્યારે રૂપિયા 75 લાખથી નીચેની લોનની ભરપાઈ કરવાનું ટાળી રહ્યા છે એવા ગ્રાહકોની સંખ્યા ત્રણ ટકા જેટલી છે.”
ખતરારૂપ સ્થિતિ
મોટા ભાગના લોન નહીં ભરનારાઓ 25 થી 35 વર્ષની વય વચ્ચેના છે. 35 થી 45 વર્ષની વયના લોકો તે પછીના ક્રમે આવે છે.
મોહિત ગોખલે હોમ લોન સેક્ટરમાં કામ કરે છે. તેમણે બીબીસી સાથે લોન નહીં ભરપાઈ કરવા અંગે વાત કરી.
તેમણે કહ્યું, “આજના યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓ બહુ વધારે છે. તેમનાં મોટું ઘર ખરીદવાનાં સપનાં છે. પરંતુ, અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. વ્યાજ દરોમાં તફાવતને કારણે હપ્તાઓ વધી રહ્યા છે. ઘણા લોકો માટે તેની ચૂકવણી કરવી મુશ્કેલ બની રહી છે.”
તેમણે કહ્યું, “આપણે હપ્તા ભરવાનું આયોજન કરવું પડશે.”
તેમણે કહ્યું, ”જો તમે હપ્તો ચૂકી જાવ છો તો તમે જોખમી સાયકલ પર આવી જાવ છો. કારણ કે ઘરનો ખર્ચ, બાળકોની ટ્યૂશન ફી બધું ચૂકવવાનું હોય છે. સમયાંતરે ઈએમઆઈ માટે નવી પર્સનલ લૉન લેવાની જરૂર પડે છે જે વધુ ખતરનાક છે.”
એ પછી શું થાય?
જો હોમ લોનનો એકાદ હપ્તો ચૂકી જવાય અને બાકીના હપ્તાઓ સામાન્ય રીતે ચૂકવવામાં આવે તો કોઈ વિશેષ સમસ્યા નથી. પરંતુ, વાસ્તવિક સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે તમે સળંગ ત્રણ હપ્તા ન ચૂકવો. પછી બૅન્ક તમને ડિફૉલ્ટર તરીકે ઓળખશે.
બૅન્ક ઘણીવાર ડિફૉલ્ટ લોન વસૂલવા માટે નોટિસ મોકલે છે. સાથે જ સિબિલ સ્કોર પણ ઘટી જાય છે. જેના કારણે પાછળથી ધિરાણ મેળવવાની શક્યતા ઘટી જાય છે. બીજી બાજુ, રિકવરી એજન્ટો તેમની પોતાની રીતે વસૂલાત શરૂ કરે છે.
જો તમને લાગે કે તમે હવે પૈસા ભરી શકો તેમ નથી તો સિક્યૉરિટાઇઝેશન ઍન્ડ રિકન્સ્ટ્રક્શન ઑફ ફાઇનાન્શિયલ ઍસેટ્સ ઍન્ડ એન્ફોર્સમેન્ટ ઑફ સિક્યૉરિટી ઇન્ટરેસ્ટ ઍક્ટ (સરફેસ) હેઠળ પગલાં લેવામાં આવશે.
તમને સરફેસ ઍક્ટ હેઠળ 60 દિવસની આખરી નોટિસ મોકલવામાં આવશે. તે પછી પણ લોન ભરપાઈ કરવામાં નહીં આવે, તો ગીરો મૂકેલી મિલકત બૅન્કો દ્વારા કબજે કરવામાં આવશે. અથવા લોનની બાંયધરી આપનાર પાસેથી નાણાં વસૂલવા પગલાં લેવામાં આવશે.
આથી અજય દેશમુખે સ્થિતિ આટલે સુધી પહોંચે તે પહેલાં પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. તેમણે ઘર વેચીને દેવું ચૂકવ્યું. હવે તેઓ કેટલીક કૉલેજોમાં લેક્ચર પણ આપી રહ્યા છે. કેટલાંક પુસ્તકો પર પણ કામ કરે છે.
તેમણે કહ્યું, ”કેટલીક સ્થિતિમાં ઘણો સમય લાગે છે. આપણે શાંતિથી રાહ જોવી જોઈએ. આપણે એ પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આપણે કઈ દિશામાં પગલાં લઈ રહ્યા છીએ. જ્યારે નાણાકીય પરિસ્થિતિ સારી ન હોય, ત્યારે આપણે રોકાણ પાછું ખેંચવા માટે તૈયાર રહેવું જોઈએ.”
દેશમુખે કહ્યું કે તેમણે યોગ્ય સમયે પગલાં લીધાં. તેમણે કહ્યું કે જો બૅન્ક મકાનનો કબજો લઈ લે ત્યાં સુધી રાહ જોઈ હોત તો બધું ગુમાવી દીધું હોત.
સંક્ષિપ્તમાં: હોમ લોનના હપ્તા ન ભરી શકાય ત્યારે શું કરવું?
- 2020ની સરખામણીમાં હોમ લોન ડિફૉલ્ટર્સની સંખ્યામાં 20 ટકાનો વધારો થયો છે
- મોટા ભાગના લોન નહીં ભરનારાઓ 25 થી 35 વર્ષની વય વચ્ચેના છે. 35 થી 45 વર્ષની વયના લોકો તે પછીના ક્રમે આવે છે
- રૂપિયા 10 લાખથી ઓછી રકમની લોન નહીં ભરનારા લોકોની સંખ્યા 4.44 ટકા છે
- રૂપિયા 75 લાખથી નીચેની લોનની ભરપાઈ કરવાનું ટાળી રહ્યા છે એવા ગ્રાહકોની સંખ્યા ત્રણ ટકા જેટલી છે
- તમે સળંગ ત્રણ હપ્તા ન ચૂકવો તો પછી બૅન્ક તમને ડિફૉલ્ટર તરીકે ઓળખશે
- સિબિલ સ્કોર પણ ઘટી જાય છે
- સરફેસ ઍક્ટ હેઠળ બૅન્ક 60 દિવસની આખરી નોટિસ મોકલશે. તે પછી પણ લોન ભરપાઈ કરવામાં ન આવે તો ગીરો મિલકત બૅન્ક કબજે કરશે
- જો તમને હપ્તા ચૂકવવામાં મુશ્કેલી પડે તો તરત જ બૅન્ક અધિકારીઓ સાથે વાત કરો
- વિલંબ કર્યા વિના યોગ્ય પગલાં લેવાં
હપ્તા ઓછા થાય તો?
હોમ લોન એ બૅન્કો અને લોન લેનારા બંને માટે સારી તક પૂરી પાડે છે કારણ કે વચ્ચે રહેલું ઘર ગીરો છે.
હોમ લોન આપતી વખતે નોકરી અને પગાર જેવાં પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. જોકે, તાજેતરમાં નોકરીઓમાં ભારે કાપ મૂકવામાં આવ્યો છે. આ સ્થિતિમાં ચૂકવણી માટે વિશેષ યોજનાઓ બનાવવી પડશે.
બૅન્કિંગ નિષ્ણાત દેવીદાસ તુલજાપુરકરે જણાવ્યું હતું કે અજય દેશમુખની જેમ સમયસર પગલાં લેવા જરૂરી છે.
તેમણે કહ્યું, ” જો તમને હપ્તા ચૂકવવામાં મુશ્કેલી પડે તો તરત જ બૅન્ક અધિકારીઓ સાથે વાત કરો. તેમની સાથે સમયમર્યાદા વિશે ચર્ચા કરો. તે પછી, વિલંબ કર્યા વિના યોગ્ય પગલાં લેવા જોઈએ.”
આ સ્થિતિમાં બૅન્ક સાથે વાત કરવી એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે બૅન્કોને કાયદાકીય કાર્યવાહી કરવામાં થોડો સમય લાગે છે. આ દરમિયાન વ્યાજ દર વધી જાય છે. બીજી બાજુ, તમારે ઘર વેચવું હોય તો તેમાં પણ કેટલીક અડચણો આવે છે.
તેથી, નિષ્ણાતો સૂચવે છે કે લોનનું પુનર્ગઠન એ ખૂબ જ સારો વિચાર છે. અથવા તેઓ કહે છે કે બૅન્ક અધિકારીઓની મદદથી ઘર વેચવું વધુ સારો વિકલ્પ છે.