એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટે પાસવર્ડથી છુટકારો મેળવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. લોકો ડિવાઈસીસ અને વેબસાઇટ્સમાં લોગ-ઈન કરવા માટે સામાન્ય રીતે પાસવર્ડસનો ઉપયોગ કરે છે પરંતુ, તે અસુરક્ષિત છે. એક તો તેને યાદ રાખવું મુશ્કેલ છે અને તેના કારણે આપણે જુદી-જુદી વેબસાઇટ્સ પર એકને એક પાસવર્ડનો ફરીથી ઉપયોગ કરીએ છીએ, જે આુપણી સુરક્ષામાં ધરખમ ઘટાડો કરે છે. ઘણા ટેક્નોલોજિસ્ટ્સે દલીલ કરી છે કે, પાસવર્ડનો ઉપયોગ ના કરવો પડે તેવી સાઈન-ઈન કરવાની રીતો શોધવી વર્તમાન સમયની જરુરિયાત બની ગઈ છે. આ રીતોમાં ઝડપી ડિવાઇસ પિન અથવા આઇફોનની જેમ તેમની ફિંગરપ્રિન્ટ અથવા ફેસ લોકનો ઉપયોગ સામેલ હોઈ શકે છે.
એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટનું કહેવું છે કે, તે FIDO Alliance અને World Wide Web Consortium.દ્વારા બનાવવામાં આવેલા પાસવર્ડનો ઉપયોગ કર્યા વિના સાઇન-ઇન કરવાની સામાન્ય રીતો વિકસાવશે. આ નવા પ્રયત્નોથી લોકોને ડિવાઈસીસમાં પાસવર્ડ વિના એકસેસ કરવાની મંજૂરી મળશે. આનો અર્થ એવો થયો કે, જો કોઈને વિન્ડોઝ પીસી પર કે કોઈ વેબસાઇટમાં સાઈન-ઈન કરવાનું કહેવામાં આવે ત્યારે લોગ-ઈન કરવા માટે તેમના આઈફોનમાં ફેસિયલ સ્કેનરનો ઉપયોગ કરી શકાય. તે લોગ-ઈન કરવાનું સરળ બનાવે છે. આ ઉપરાંત સ્કેમર્સ માટે લોકોના ખાતામાં ઘુસવું કે ફિશીંગ જેવી પ્રવૃતિઓ કરવી અઘરી બની જશે.
આ તકનીકથી લોકોએ એક કરતાં વધુ ડિવાઈસ અથવા કોઈ નવા ડિવાઈસમાં વારંવાર સાઈન-ઈન કરવાની ઝંઝટ રહેશે નહીં. આ નવી તકનીકીઓ આગામી વર્ષોમાં ત્રણેય કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ડિવાઈસીસ અને પ્લેટફોર્મ પર આવવાની તૈયારીમાં છે. તમામ મોટી ટેક્નોલોજી કંપનીઓએ પાસવર્ડ વિના લોગ-ઈન કરવા અને પાસવર્ડથી સંપૂર્ણપણે છૂટકારો મેળવવાની દિશામાં પગલાં લીધાં છે. આ અપડેટમાં લોગિન સ્ટોર કરનારા પાસવર્ડ મેનેજર્સ તેમજ બાયોમેટ્રિક ટેક્નોલોજી જેમકે, ફેસ અને ફિંગરપ્રિન્ટ સ્કેનરનો સમાવેશ થાય છે.
માઇક્રોસોફ્ટે પણ લાંબા સમયથી કહ્યું છે કે, તે એવી દુનિયા તરફ આગળ વધવા માંગે છે જ્યાં પાસવર્ડનો ઉપયોગ બિલકુલ કરવામાં આવતો નથી, તેનો દાવો છે કે તે લોકોને વધુ સુરક્ષિત બનાવશે. પાસવર્ડલેસ વર્લ્ડ લોકોના જીવનનો કુદરતી ભાગ બની જશે અને તેમને ખ્યાલ પણ રહેશે નહીં. માઇક્રોસોફ્ટના આઇડેન્ટિટી પ્રોગ્રામ મેનેજમેન્ટના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ એલેક્સ સિમોન્સે જણાવ્યું હતું કે, ‘કોઈપણ વ્યવહારુ સોલ્યુશન આજે ઉપયોગમાં લેવાતા પાસવર્ડ્સ અને લેગસી મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશન પદ્ધતિઓ કરતા વધુ સુરક્ષિત, સરળ અને ઝડપી હોવું જોઈએ.’ સમગ્ર પ્લેટફોર્મ પર એક સમુદાય તરીકે સાથે મળીને કામ કરીને, આપણે આખરે આ વિઝન પ્રાપ્ત કરી શકીએ છીએ અને પાસવર્ડસને દૂર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી શકીએ છીએ.